UNIVERSITY NAME: SAURASHTRA UNIVERSITY


અમરેલીની બાજુમાં મોટા આંકડિયા નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા કનુભાઈ સેંજાણીએ દીકરા હાર્દિકને ભણાવવા માટે વ્યાજે પૈસા લીધા અને હાર્દિકને ભણવા માટે રાજકોટ એક સ્વનિર્ભર શાળામાં બેસાડ્યો . ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું ( માર્કશીટનો ફોટો અહિયા મુકેલો છે ) જેમાં હાર્દિકને ભૌતિક વિજ્ઞાનમાં માત્ર ૧૭ માર્ક્સ જ આવ્યા અને નાપાસ થયો . બાકીના વિષયોમાં પણ બહુ ઓછા માર્ક્સ હતા .






વ્યાજે પૈસા લઈને ભણાવ્યા પછી આવું પરિણામ આવે એટલે કોઈપણ પિતાને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પરંતુ કનુભાઈએ નાપાસ થયેલા દિકરા હાર્દિકને એનુ મનોબળ તૂટે એવો એકપણ શબ્દ ન કહ્યો . માત્ર એટલું જ કહ્યું કે ‘ બેટા , ચિંતા કરવાની જરૂર નથી , મહિના પછી પાછી પરીક્ષા આવશે . તું એક જ વિષયમાં નાપાસ છો એટલે એ પરીક્ષા પાસ કરીને આગળના અભ્યાસમાં લાગી જજે .


હાર્દિકે એક વિષયની પરીક્ષા પાસ કરી લીધી અને કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી. શરુ કર્યું . બી.એસ.સી.નો અભ્યાસ અંગ્રેજીમાં હોવાથી બહુ સમજ પડતી નહોતી એટલે પ્રથમ સત્રમાં ૪ માંથી મુખ્ય ૩ વિષયમાં નાપાસ થયો . બીજા સત્રમાં પણ ૩ વિષયમાં નાપાસ અને ત્રીજા સત્રમાં પણ ત્રણ વિષયમાં નાપાસ . દીકરાનું આ પરિણામ જોઈને પિતા કનુભાઈએ એકદિવસ હાર્દિકને પોતાની પાસે બેસાડ્યો અને જો ભણવામાં મન ન લાગતું હોય તો ખેતી સંભાળી લેવાનું કહ્યું . 



હાર્દિકે ફૂલ ટાઈમ ખેતર જવાનું ચાલુ કર્યું . થોડા દિવસમાં જ એને સમજાઈ ગયું કે આ કાળી મજૂરી કરવા કરતા ભણવું વધુ સારું છે . પિતાએ કરાવેલા આ અનોખા અનુભવની હાર્દિક પર એવી અસર થઇ કે ચોટલી વાળીને ભણવામાં લાગી ગયો અને ચોથા સેમેસ્ટરમાં તમામ વિષયમાં પાસ થયો એ ઉપરાંત આગળના વર્ષોમાં જે વિષયોમાં નાપાસ થયો હતો એ વિષયોમાં પણ પાસ થઇ ગયો . પાંચમાં સેમેસ્ટરમાં આવ્યો ત્યારે પ્.પૂ.પ્રમુખસ્વામી મહારાજની સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘ સ્વામીનારાયણ પ્રકાશ ’ નામના માસિકમાં ‘ આદર્શ વિદ્યાર્થી કેમ બની શકાય ? ’ એ વિષય પરનો લેખ વાંચ્યો જેનાથી હાર્દિકને વિશેષ પ્રેરણા મળી અને વધુ મહેનત કરવાનું બળ મળ્યું . 


પાંચમાં સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી વિષયમાં એ એની કોલેજમાં બીજા નંબર પર આવ્યો જેનાથી આત્મવિશ્વાસ પણ વધ્યો . કોલેજના છેલ્લા વર્ષમાં તો એવી કમાલ કરી કે ડીસસ્ટીંગશન સાથે કેમેસ્ટ્રી વિષયમાં પ્રથમ સ્થાન પર આવ્યો . એમ.એસ.સી. કરવા માટે ચાર જગ્યાએ અરજી કરી અને તમામ જગ્યાએ એડમિશન મળી ગયું . 





વિદ્યાનગરમાંથી એમ.એસ.સી. પણ ડીસસ્ટીંગશન સાથે પૂરું કર્યું . કેમ્પસ ઈન્ટરવ્યુંમાં નોકરી મળી ગઈ પરંતુ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી એટલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પી.એચ.ડી. કરવા માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરીને પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કર્યો . પી.એચ.ડી.નાં અભ્યાસ દરમ્યાન જ સરકારી કંપની ઓ.એન.જી.સી.માં સારા પગારની નોકરી મળી ગઈ . 



નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો અને હમણા થોડા સમય પહેલા પી.એચ.ડી. પણ પૂર્ણ કર્યું ( ફોટો મુકેલો છે ) ૧૨ મા ધોરણમાં નાપાસ થયેલો હાર્દિક પિતાના પ્રોત્સાહન અને પોતાની મહેનતના બળે આજે ડો.હાર્દિક સંજાણી બની ગયો છે . 





મિત્રો , નાપાસ થઈએ કે નબળું પરિણામ આવે એટલે બધું પૂરું નથી થઇ જતું . હાર્દિક જેવા અસંખ્ય વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોય તો પ્રચંડ પુરુષાર્થ દ્વારા તમે સફળતાના શિખરો સર કરી શકો છો . 


વાલીઓ અને વિદ્યાર્થીઓ એક વાત ખાસ સમજે કે પડવાથી ક્યારેય પતન નથી થતું , પડ્યા રહેવાથી પતન થાય છે .