ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર.

અખબારી યાદી:- Hall Ticket 2024



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ. શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ ના તમામ ઉમેદવારોની માર્ચ-૨૦૨૪ ની જાહેર પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.૨૯/૦૨/૨૦૨૪ થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૨૪ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ-૧૦ ની સૂચના (નં.૧ થી ૧૩) પ્રવેશપત્ર(હોલટિકિટ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો. નોંધ:-

માર્ચ-૨૦૨૪ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂકપત્ર(Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલ છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર(Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર(Assessment Order) ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકશ્રીઓને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ(શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.

તારીખ:-૨૯/૦૨/૨૦૨૪ સ્થળ :- ગાંધીનગર

(એમ.કે.રાવલ)

નિયામક (પરીક્ષા)

ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

ગાંધીનગર